વડોદરાના મોગરા – ગુલાબ અને પારસના ફૂલોથી મહેંકે પ્રસરે છે દિલ્હી, મુંબઈ, બંગ્લોર, હૈદરાબાદ સુધી

વડોદરા શહેર નજીકના બીલ ગામના યૂવા ખેડૂત વિશાલ પટેલ દ્વારા બાગાયતી ખેતીમાં આગવી પહેલ.

મદન મોગરો, ગુલાબ અને પારસ ફુલોની ખેતી સંતોષકારક અને વધુ વળતર આપનારી છેઃ વિશાલ પટેલ.

બીલ અને દરાપુરા ગામના 35 થી 37 ખેડૂતો પણ બાગાયતી ખેતી તરફ વળ્યાં.

બીલ ગામના ખેતરમાં ઉત્પાદિત ફૂલો બેંગ્લોર-હૈદરાબાદ ખાતે બાય એર મોકલવામાં આવે છે.

શહેર નજીક આવેલા બીલ ગામના યૂવા ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતાં મોગરા, ગુલાબ, પારસ ફૂલોની રાજ્ય ઉપરાંત ભારતભરમાં ભારે માગ છે. બીલ ગામના યૂવા પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ પટેલ બાગયતી ખેતી દ્વારા સારું વળતર પ્રાપ્ત કરી રહ્યા છે. તેમની પ્રેરણા લઈ બીલ અને દરાપુરાના સંખ્યાબંધ ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યાં છે.

બીલ ગામના રહેવાસી 32 વર્ષિય યૂવા ખેડૂત વિશાલ પટેલે ધો. 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે. વિશાલ પટેલે જણાવ્યું કે, મારા દાદા અને પિતા ઠાકોરબાઈના પગલે મેં પણ બાગાયતી ખેતી અપનાવી હતી. અમારા ખેતરમાં મદન મોગરો, ગુલાબ અને પારસ થાય છે. તેમજ ગલગોટા, વીજળી અને સેવંતીની ખેતી પણ કરવામાં આવે છે. અમારા ફૂલ હવાઈ માર્ગે બેંગ્લોર – હૈદરાબાદ મોકલાવમાં આવે છે. તેમજ ભાવનગર, અમદાવાદ, ભરૂચ, સુરત, ભોપાલ, મુંબઈ, પુણે, કોટા-રાજસ્થાન અને દિલ્હી ખાતે રેલ માર્ગે ફૂલ મોકલવામાં આવે છે. આ ઉપરાંત, વડોદરાના ફૂલ બજારમાં પણ ફુલોનું વેચાણ કરાય છે.

તેમણે ઉમેર્યું કે, બાગાયતી ખેતીમાં 20 જેટલાં મજૂરોની આવશ્યકતા હોય છે જે સ્થાનિક સ્તરે જ મળી રહે છે. પારંપારિક ખેતીને બદલે બાગાયતી ખેતીમાં ઓછી મહેનત અને ખર્ચે ત્રણ ગણી વધારે આવક થાય છે. ફુલોની ખેતી સંતોષકારક અને વધુ વળતર આપનારી છે. આ ખેતીથી થતાં આર્થિક ફાયદાને ધ્યાને લઇ અન્ય બીલ અને દરાપુરાના 35 થી 37 ખેડૂતો પણ ભેગા મળી બાગાયતી ખેતીમાં સહભાગી બન્યા છે. આ ફુલોની ખરીદી કરી વેચાણ વ્યવસ્થા મેં સંભાળી લીધી  છે. આમ, ફુલોની ખેતી અને તેનું વેચાણ અમારા બિલના કેટલાય પરિવારોને આર્થિક રીતે સધ્ધર બનાવે છે.


Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!