કોલકત્તામાં લોકશાહી નથી ચાલતી ત્યાં માત્ર દીદીશાહી ચાલે છે.

  •  અમે કોલકત્તા નહીં, પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં પહોંચી ગયા હોઈએ એવું લાગ્યુઃ કૌશલ દવે.
  • તા. 13મી મે ના રોજ ભાજપા અધ્યક્ષ અમિત શાહની સભામાં લોકો ઉમટી પડતાં, નારાજ થયેલી મમતા સરકારે ગુજરાતી પ્રચારકર્તાઓ પર તવાઈ વરસાવી.
  • તૃણમુલ કોંગ્રેસના સમર્થક ગુંડાઓ તેમજ સ્થાનિક પોલીસની દાદાગીરી વચ્ચે વડોદરા સહિત ગુજરાતના 28 યૂવા મોર્ચાના કાર્યકરોએ પ્રચાર કર્યો.
  • 10 દિવસમાં 5 હોટલ બદલવી પડી. જીવના જોખમે ખાનગી મીટીંગો યોજી

અમે કોલકત્તા નહીં, પરંતુ પાકિસ્તાન કે બાંગ્લાદેશ પહોંચી ગયા હોઈએ તેવો અનુભવ છેલ્લાં 10 દિવસમાં થયો છે. એમ ગઈકાલે સવારે વડોદરા પરત આવેલા ભાજપા યૂવા મોર્ચાના ગુજરાત પ્રદેશ સ્પોટ્સ સેલના કન્વિનર અને મધ્ય ઝોન ઇન્ચાર્જ કૌશલ દવેએ જણાવ્યું હતું.

કૌશલ દવેએ અવર વડોદરાને જણાવ્યું હતું કે, લોકસભા ચુંટણીના સાતમાં અને છેલ્લા તબક્કાના પ્રચાર કાર્ય માટે ગુજરાત ભાજપા યુવા મોર્ચાના 28 કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હતી. આમ તો મારે 1 તારીખ આસપાસ પહોંચવાનું હતું પરંતુ ફાની વાવાઝોડાને કારણે હું 5 મે ના રોજ પહોંચ્યો હતો. કોલકત્તાના બારાશત લોકસભા બેઠકની જવાબદારી પ્રદેશ યુવા મોર્ચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલને સોંપાઈ હતી. અને બારાશત લોકસભા બેઠક અંતર્ગત આવતી અશોક નગર વિધાનસભા બેઠકની જવાબદારી મારા ભાગે આવી હતી.

તેણે જણાવ્યું કે, કોલકત્તાની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ગુંડારાજ ચલાવવામાં આવી રહ્યું છે. ભાજપાનો ખેસ પહેરીને બહાર નિકળી ના શકાય, બાકી ગમે ત્યાંથી તૃણમૂલના ગુંડાઓ આવી મારામારી કરી દે એવી સ્થિતિ છે. અમે ક્યાંક પ્રચાર કરવા જઈએ કે તરત ગુંડાઓને ખબર પડી જાય અને તેઓ પીછો કરે. એ લોકોથી બચવા અમારે પાંચેક હોટલો બદલવી પડી હતી.

કૌશલે કહ્યું કે, તા. 13મી મે ના રોજ બારાશત લોકસભા બેઠકમાં આવેલાં બિષ્ણુપુર રાજરહટ ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભામાં ભારે જનમેદની ઉમટી પડતાં, મમતા દીદીના પેટમાં તેલ રેડાયું હતું. અને ગુજરાતીઓને ટ્રાગેટ કરવાના જાણે આદેશ આપી દેવાયા હોય તેવી સ્થિતિ અમે અનુભવી. અમને હોટલમાંથી હાંકી કાઢવા માટે સ્થાનિક પોલીસ આવી હતી. અમને ડરાવી ધમકાવીને હોટલમાંથી કાઢવામાં આવ્યા. અમને એક તબક્કે તો એવું લાગ્યું કે અમે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં પહોંચી ગયા છીએ.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!