વ્યાજખોરોનો આતંકઃ રિવોલ્વર જેવું હથિયાર બતાવી બળજબરીથી રૂપિયા કઢાવનાર બે ભાઈઓની ધરપકડ.

  •  ખોડલ ફાઈનાન્સના સાગર બ્રહ્મભટ્ટ અને મયંક બ્રહ્મભટ્ટને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.
  • વ્યાજની રકમ માટે ફરિયાદીને રિવોલ્વર જેવું હથિયાર બતાવી 20 હજાર કાઢી લેવાનો ગુનો.

સાવકારી ધારાના લાયસન્સના ઓથા હેઠળ મનીલોન્ડરીંગનું કામ કાજ કરાયું છે કે કેમ? તે અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.

 વ્યાજની રકમ ફરિયાદી તથા સાહેદો દ્વારા નહીં ચુકવાતા, મારી નાંખવાની ધમકી આપી રિવોલ્વર જેવું હથિયાર બતાવી રૂપિયા બળજબરીથી કઢાવી લેનારા બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બંને આરોપીઓ દ્વારા સાવકારી ધારાના લાયસન્સના ઓથા હેઠળ મનીલોન્ડરીંગનું કામ કાજ કરાયું છે કે કેમ? તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.

શહેરના હરણી વારસીયા રીંગ રોડ પર રહેતા આશુતોષ શૈલેષભાઇ પરીખ વીમા એજન્ટ તરીકે ફરજ બજાવે છે. ગત વર્ષ 2014માં તેઓને રૂ. 30 હજારની જરૂર હોવાથી તેમણે ખોડલ ફાયનાન્સના મયંક બ્રહ્મભટ્ટ અને સાગર બ્રહ્મભટ્ટ પાસેથી 14 દિવસ માટે 10 ટકા લેખે રૂ. 30 હજાર વ્યાજે લીધા હતા. જોકે આશુતોષભાઇએ સમયસર મુળી અને વ્યાજની ચુંકવણી કરી દીધી હતી.

ત્યારબાદ આશુતોષના કેટલાક મિત્રોને વ્યાજે રૂપિયા લેવાની જરૂર પડતા ખોડલ ફાયનાન્સના ભાઇઓ પાસેથી રૂપિયા અપાવ્યાં હતા. જોકે આશુતોષભાઇએ તેમના અનેક મિત્રોને ખોડલ ફાયનાન્સમાંથી વ્યાજે રૂપિયા અપાવ્યાં, જેમાંથી વર્ષ 2018માં ભાવીક શાહ અને ભારતે મળીને વ્યાજ લીધેલા રૂ. 17 લાખ ન ચુંકવી ફરાર થઇ ગયાં હતા.

આ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા માટે ખોડલ ફાઈનાન્સના સાગર પ્રવિણ બ્રહ્મભટ્ટ અને મયંક પ્રવિણ બ્રહ્મભટ્ટ (બંને રહે. અશોક વાટિકા, વીઆઈપી રોડ, કારેલીબાગ) બંને ભાઈઓએ ગત તા. 6 માર્ચના રોજ આશુતોષના ઘરે પહોંચી ગડદા પાટુનો માર માર્યો હતો. તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

વ્યાજની રકમ માટે રિવોલ્વર જેવું હથિયાર બતાવી બંને આરોપી ભાઈઓએ આશુતોષના ખિસ્સામાંથી રૂપિયા 20 હજાર બળજબરીથી કાઢી લીધા હતાં. બંને આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો કરતાં ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજા તેમજ એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે આજરોજ આ બંને આરોપી ભાઈઓ સાગર બહ્મભટ્ટ અને મયંક બ્રહ્મભટ્ટની ધરપકડ કરી હતી. તેમજ વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ બંને આરોપીઓ દ્વારા સાવકારી ધારાના લાઈસન્સના ઓથા હેઠળ મનીલોન્ડરીંગનું કામ કાજ કરેલ છે કે કેમ? તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!