લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપનો મધ્ય ગુજરાતમાં ડેમેજ કંટ્રોલઃ વડોદરાના ભોળેનાથના ભક્ત યોગેશ પટેલને મંત્રી બનાવી દીધા.

  •  શનિવારે ગાંધીનગર રાજભવન ખાતે વિજય રૂપાણી સરકારમાં મંત્રી તરીકે યોગેશ પટેલ સહિત ત્રણ મંત્રીઓએ સોગંદ લીધા.
  • વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ધારાસભ્યોનો મોટે ભાગે ગાંધીનગરમાં ગજ વાગવા દેવાતો નથી.
  • કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ઉમળકાભેર પોંખી રહેલાં ભાજપનો એક વર્ગ આ ઘટનાથી દુઃખી છે, પણ સહન કર્યા સિવાય તેમની પાસે છુટકો નથી.
  • સ્પષ્ટ વક્તા એવાં યોગેશ પટેલને મંત્રી પદ આપવા પાછળની ભાજપની ગણતરીઓ રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપમાં હોવા છતાં ભાજપ સરકાર સામે યોગેશ પટેલે આંદોલન કર્યા છે. તાજેતરમાં મ્યુ. કમિ. વિનોદ રાવના શંકાસ્પદ નિર્ણયની યોગેશ પટેલે ટીકા કરી હતી.

આજદીન સુધી વડોદરા સહિત મધ્ય ગુજરાતના ધારાસભ્યો સાથે મોટા ભાગે ઓરમાયુ વર્તન કરતી ગાંધીનગર સરકાર દ્વારા અચાનક જ વડોદરાના યોગેશ પટેલ સહિત ત્રણને મંત્રી પદુ સોંપી, લોકસભાની ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં એક તરફ કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ભાજપ ઉમળકાભેર પોંખી રહી છે, ત્યારે ભાજપનો જ એક વર્ગ આ ઘટનાથી અત્યંત દુઃખી છે. પરંતુ, એમનાથી કંઇ કહી શકાય તેમ નથી. સહન કર્યા સિવાય આ વર્ગ પાસે કોઈ છુટકો નથી.

પૂ. સાવલીવાળા સ્વામીની પ્રેરણાથી વડોદરાના સૂરસાગર મધ્યે શ્રી સર્વેશ્વર મહાદેવની સ્થાપના, શિવ પરિવારની સ્થાપના, શિવજી કી સવારીની પરંપરાનો પ્રારંભ જેવાં કાર્યો કરનાર ભોળેનાથના ભક્ત એવાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલે શનિવારે ગાંધીનગર રાજભવન ખાતે વિજય રૂપાણી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતાં. યોગેશ પટેલ સાથે કુલ ત્રણ મંત્રીઓએ શપથ લીધાં હતાં.

કોંગ્રેસમાં રહી નરેન્દ્ર મોદી માટે મનફાવે તેવો વાણી વિલાસ કરનારા ધારાસભ્યોને ભાજપમાં એન્ટ્રી મળી રહી છે. તો બીજી તરફ વડોદરા સહિત મધ્ય ગુજરાતના ધારાસભ્યોનો મોટે ભાગે ગાંધીનગરમાં ગજ વાગવા દેવામાં આવતો નથી. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા બગડી રહેલી સ્થિતિને સુધારવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જોવાઈ રહ્યું છે.

વડોદરા ભાજપનો ગઢ ગણાય છે અને અહીં મોદીના નામે કોઈપણ સહેલાઈથી જીતી જાય તેવી સ્થિતી છે. જોકે, તાજેતરમાં કોંગ્રસી ધારાસભ્યોને ભાજપમાં એન્ટ્રી અપાવી મંત્રી પદુ આપવાની વાતો ઉડી ત્યારે મધ્ય ગુજરાતના કેટલાંક ભાજપી ધારાસભ્યોમાં એવી ચર્ચા ઉઠી હતી કે, આગામી વિધાનસભામાં કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને ભાજપમાં આવીશું ત્યારે જ મંત્રી પદ મળશે.

વર્ષ 1946માં જન્મેલા યોગેશ પટેલ આમ તો વર્ષ 1990થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. અમદાવાદી પોળની લેઉઆ શેરીનો બાકડો એ એમની મેઇન ઓફિસ જેવી છે. રાજીવ ગાંધી સરકારમાંથી છૂટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહની જનતા પાર્ટીમાં યોગેશ પટેલ સામેલ થયા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. બાદમાં વર્ષ 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતાં. ભાજપમાં હોવા છતાં તેમણે ભૂતકાળમાં ભાજપ સરકારના વિરોધમાં આંદોલન કર્યા છે.

યોગેશ પટેલને મંત્રી બનાવવા પાછળ ભાજપની જરૂર કોઈ મજબૂરી હોવી જ જોઈએ. કારણ કે, પ્રજાના પ્રશ્નો માટે સત્તામાં ભાજપ હોવા છતાં અધિકારીઓ અને મંત્રી સાથે તેઓ બાખડ્યા છે. તાજેતરમાં થોડા મહિના અગાઉ વડોદરાના મ્યુનિ. કમિશનર ડો. વિનોદ રાવ દ્વારા લેવામાં આવેલા શંકાસ્પદ નિર્ણયની તેમણે ટીકા કરી હતી અને ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવાની માંગણી કરી હતી.

રાજકારણમાં આવ્યા ત્યારે દૂધના ભાવ વધારા સામેના આંદોલનમાં તેઓ સખત રીતે દાઝી ગયા હતા. તેમના બચવાની કોઈ આશા નહોતી ત્યારે પૂ. સાવલીવાળા સ્વામીએ તેમને પાણી પીવડાવ્યું અને તેઓ બચી ગયા હતાં. પૂ. સાવલીવાળા સ્વામીના પ્રભાવને કારણે જ તેમણે ખાદી ધારણ કરી અને ખાદી લાજે નહીં તેવી સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું અને આજેય સફેદ લેંઘો-ઝબ્બો એમનો કાયમી પહેરવેશ અને ઓળખાણ છે.

એકંદરે સ્પષ્ટ વક્તા એવાં યોગેશ પટેલને મંત્રી પદ આપવા પાછળની ભાજપની ગણતરીઓ આજે રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!