- જ્યાં વર્ષોથી કામ કરું છું ત્યાંથી મદદ ના મળી, કપરાં સમયમાં અણધારી સહાય મળી છેઃ સુરેશ ભોરેકર
- ક્રાઉડ ફંડીગ દ્વારા એકત્રિત થયેલાં નાણાંમાંથી જરૂરીયાતમંદ પૂરઅસરગ્રસ્તોને સહાય કરાઈ.
પૂરના પાણીમાં હજારો વડોદરાવાસીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકાર તેમજ બિનસરકારી સંસ્થાઓ દ્વારા પૂર અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે અવર વડોદરા દ્વારા ક્રાઉડ ફંડીગ દ્વારા એકત્રિત થયેલાં નાણાંમાંથી વધુ બે જરૂરીયાત મંદ વ્યક્તિઓને આર્થિક મદદ કરવામાં આવી છે.
કારેલીબાગ વિસ્તારના વીઆઈપી રોડ પર આવેલાં જલારામ નગરમાં ભાડાના મકાનમાં પત્નિ – 7 માસનું બાળક અને માતા – પિતા સાથે રહેતાં મૃણાલ કંસારાએ જણાવ્યું કે, હાલમાં હુ ફ્રિલાન્સ ડિઝાઈનરનું કામ કરું છું. જ્યારે પૂર આવ્યું ત્યારે ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને ઘરવખરીના સામાન ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સના સાધનો સહિત મારું લેપટોપ પાણીમાં ગરક થઈ ગયું હતું. પૂરના પાણી ઉતરી ગયાં પછીની સ્થિતિ ખૂબ કફોડી હતી. એટલે અમે કાકાના ઘરે આસરો લીધો હતો.
મૃણાલે ઉમેર્યું કે, હાલ નોકરીની શોધખોળ અને ઘરની ચિંતા વચ્ચે ભગવાનનાં ભરોસે દિવસો વિતાવી રહ્યાં હતાં. ત્યાં વડોદરાવાસીઓએ યથાશક્તિ યોગદાન આપી એકઠાં થયેલાં ફંડમાંથી મને સહાય મળી એ ચમત્કાર જેવું જ લાગે છે. પૂરના પાણીમાં ઘર ડૂબ્યું છે, હિંમત કરીને હવે નવી શરૂઆત કરીશ.
શહેરની જાણીતી સ્કૂલમાં અને રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે કામ કરતાં સુરેશ ભોરેકરે વડોદરાવાસીઓના ફંડમાંથી સહાય કરવામાં આવતાં જાણીતી સ્કૂલ અને રેસ્ટોરન્ટનું નામ જાહેર ના કરવાની વિનંતી સાથે જણાવ્યું કે, જ્યાં વર્ષોથી કામ કરું છું ત્યાંથી મદદ ના મળી, કપરાં સમયમાં સહાય કરનાર વડોદરાવાસીઓનો આભાર.
અત્રે ઉલ્લેખનિય છે કે, અવર વડોદરા દ્વારા ઓનલાઈન ક્રાઉડ ફંડીગ એકત્રિત કરવાની શરૂઆત કરતાં તેને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. વડોદરાવાસીઓએ યથાશક્તિ આપેલા યોગદાનમાંથી જરૂરીયાતમંદ પૂર અસરગ્રસ્તોને સહાય કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મૃણાલ કંસારાને રૂ. 20 હજાર તેમજ સુરેશ ભોરેકરને રૂ. 5 હજારનો ચેક વડોદરાવાસીઓ તરફથી આપવામાં આવ્યો હતો.