- ઇટોલા ગામમાંથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા 11 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યૂ કરાયો
- નવલખી મેદાનમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં આવી ગયેલા બે મગરોને રેસ્ક્યૂ કરાયાં
- મહેન્દ્ર ટ્રેકટર પાસે બાઇક નિચે બેઠેલા મગરને જી.એસ.પી.સીએ સંસ્થા દ્વારા રેસ્ક્યૂ કરાયો
- એકજ રાતમાં રેસ્ક્યૂ કરાયેલા 4 મગરનો સલામત રીતે વન વિભાગને સોંપી દેવાયાં
વડોદરા. વિશ્વામિત્રી નદીમાં 450 ઉપરાંત મગરો વસવાટ કરે છે. માનવ વસ્તીની વચ્ચે મગરો વસવાટ કરતાં હોય તેવું એશિયાનુ એક માત્ર વડોદરા શહેર છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં પૂર આવતાં નદીના મગરો પાણીની સાથે બહાર આવી ગયાં છે. જેથી પૂરની સ્થિતી વચ્ચે શહેરમાં ઠેર ઠેર મગરો દેખાતા રેસ્ક્યૂ કરાયાં હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. પૂરના પાણી ઓસરી ગયાં પણ કેટલાક મગરો હજી નદીમાં પરત ન પહોંચતા તેમણે વિવિધ સંસ્થાઓ દ્વારા રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવાની કામગીરી કરવામાં આવી રહીં છે.
ઇટોલા ગામમાં પાણી ભરાતાં ગૌચરની જમીનમાં મહાકાય મગર આવી પહોંચ્યો હતો. જેના પગલે ગ્રામજનોમાં ભય ફેલાતા ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બન્યું હતું. જેથી ગત મોડી રાતે ગામના સરપંચ દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને આ અંગેની જાણ કરવામાં આવી હતી. મહાકાય મગર દેખાયો હોવાનો કોલ મળતાં ટ્રસ્ટના કાર્યકરો વનવિભાગ સાથે તાત્કાલીક ઇટોલા ગામમાં પહોંચી ગયાં હતા. જ્યાં 4 ફુટ પાણીમાં 11 ફુટનો મહાકાય મગર જોવા મળ્યો હતો. આ મગરને રેસ્ક્યૂ 3 કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપી દેવાયો હતો. તેમજ વિશ્વા મિત્રી નદી નજીક બનાવેલા કૃત્રિમ તળાવમાં બે મગરો હોવાનો કોલ મળતા રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતા.
જ્યારે મહેન્દ્ર ટ્રેકટર પાસે એક બાઇક નિચે મગર બેઠો હોવાનો કોલ જી.એસ.પી.સી સંસ્થાને મળ્યો હતો. જેથી સંસ્થા કાર્યકરો તાત્કાલીક સ્થળ પર પહોંચી જતા બાઇક નિચે બેઠાલા અઢી ફુટના મગરના બચ્ચાને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો હતો. આમ એકજ રાતમાં જુદા જુદા સ્થળેથી રેસ્ક્યૂ કરાયેલા તમામ મગરોને વન વિભાગને સોંપી દેવામાં આવ્યાં હતા.