બારોટ હાઉસ : કુટિલ કાતિલની નિર્દોષતા! – Film Review by Parakh Bhatt

એક વાક્યમાં કહેવું હોય તો બારોટ હાઉસ એટલે સત્ય ઘટનાનું ખૌફનાક ફિલ્માંકન! આજે પહેલી જ વખત સિનેમાઁ પોતાના ચાહકો માટે થિયેટરના મોટા પડદેથી શિફ્ટ થઈને મોબાઇલના ટચૂકડા પડદા સુધી આવી છે. આ અઠવાડિયે રીલિઝ થનારી ‘જબરિયા જોડી’ને ઝીરો ચોકલેટ આપીને સમય બગાડવા કરતા બહેતર એ જ રહેશે કે જોવાલાયક ફિલ્મ વિશે જાણીએ! ત્રણ દિવસ પહેલા ૭મી ઓગસ્ટના રોજ ‘ઝી ફાઇવ’ નામના ડિજિટલ પ્લેટફોર્મ પર ‘બારોટ હાઉસ’ રીલિઝ થઈ. સાયકોલોજીકલ થ્રિલરમાં બેકગ્રાઉન્ડ સ્કોરથી માંડીને સસ્પેન્સ, સ્ટોરી ફ્લૉ, એક્ટિંગ જેવા એલિમેન્ટ્સ સૌથી અગત્યના છે. દિલધડક સાઉન્ડ વગર તેમાં અધૂરાશ છલકાઈ આવે છે. ‘અ ક્વાઇટ પ્લેસ’ જેવી સંવાદ વગરની ફિલ્મો પ્રેક્ષકોને જકડી રાખવા સક્ષમ બની હોય તેનું એક કારણ બેકગ્રાઉન્ડ સ્કોર જ છે! બારોટ હાઉસની સ્ટોરી ભવિષ્ય ભાખી શકાય એવી છે, પરંતુ એમ છતાં ક્લાયમેક્સ સુધી દર્શકોને જકડી રાખવા શક્તિમાન છે!

જન્માષ્ટમીનો તહેવાર ને દમણની એક બારોટ ફેમિલી જોરશોરથી એ ઉજવી રહી છે. ફિલ્મની શરૂઆત થાય છે ઘડીભર હાડ ધ્રુજાવી દે એવા ચર્ચના સીન અને ખૌફનાક મ્યુઝિકથી! એવું જ લાગે જાણે આ કોઈ હોરર ફિલ્મ ચાલી રહી છે. અમિત બારોટ (અમિત સાધ) અને ભાવના બારોટ (મંજરી ફડણવીસ)ની દીકરી શ્રેયા અચાનક ગાયબ થઈ જાય છે અને એ રાતથી શરૂ થાય છે એક ક્રુર ખૂની ખેલ! અમિત, ભાવના, એન્થની (બારોટ ફેમિલીના પાડોશી) નો પોતપોતાનો અલાયદો ભૂતકાળ છે. એક પછી એક બાળકોની હત્યા થતી જાય છે અને શંકાની સોય વારેઘડિયે હરતી-ફરતી રહે છે.

સ્પોઇલર્સ આપવાની કોઈ જ ઇચ્છા નથી, એટલે મભમ જ બધી આખી વાત આગળ વધારીશું. એવું પણ બની શકે કે ફિલ્મ જોઈ લીધા બાદ આ રિવ્યુને પચાવવામાં સરળતા રહે! ઇટ્સ અ સ્ટોરી બેઝ્ડ ઓન હ્યુમન સાયકોલોજી! કેટલીક વખત નિર્દોષતા જ માણસને કાતિલ બનાવે છે. પોતાના સ્વજન માટેની ચાહત અને એના પ્રત્યેના ઝનૂન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. પ્રેમ, વ્હાલ, હૂંફ, લાગણી જ્યારે પઝેસિવનેસમાં તબદીલ થઈ જાય ત્યારે વ્યક્તિ સારા-નરસાનું ભાન ભૂલી શકે છે. શીર્ષકમાં કહ્યું એમ, કાતિલ જ્યારે કુટિલતાપૂર્વક નિર્દોષ હોવાનો દેખાડો કરતો હોય એ પરિસ્થિતિ ભયાવહ છે! આવી પરિસ્થિતિમાં ભલભલા મનોચિકિત્સક પણ થાપ ખાઈ શકે છે.

અમિત સાધને છેલ્લે ‘સુપર ૩૦’માં જર્નલિસ્ટના કિરદારમાં જોયો. હી ઇઝ અ સાયલેન્ટ એક્ટર! ચૂપચાપ એ પોતાનું કામ કર્યે જાય છે. એક પછી એક તબલાતોડ પર્ફોમન્સ એના ફાળે આવતાં જાય છે. એમેઝોન પ્રાઇમની ‘બ્રીધ’માં પણ તે જોવા મળ્યો હતો, જેની બીજી સિઝન ટૂંક સમયમાં આવી રહી છે. મંજરી ફડણવીસનો અભિનય આ વખતે કૃત્રિમ લાગ્યો. અચાનક કોઈકે ‘એક્શન’ કહી દીધું હોય અને તેને કેમેરા સામે એક્ટિંગ કરવી પડી હોય એ પ્રકારની અનુભૂતિ થઈ. મહત્વની વાત એ છે કે, આખો કોન્સેપ્ટ અને એના રીસર્ચ-વર્ક પાછળ મુંબઈના એક સફળ ગુજરાતી રાઇટર-જર્નલિસ્ટ પ્રફુલ શાહનો સિંહફાળો છે… જેમની બીજી ફિલ્મ ‘પોશમ પા’ આગામી ૨૧મી ઓગસ્ટે રીલિઝ થવા જઈ રહી છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!