“મને પપ્પાની બહુ યાદ આવે છે” પૂરના પાણીમાં 9 દિવસથી લાપત્તા મુકેશ પરમારના માસૂમ પુત્રનું રટણ

  •  31મી જુલાઈએ 3-30થી 4 વાગ્યાના અરસામાં ગટરનો સ્લેબ તોડતી વખતે મુકેશ પાણીમાં ગરક થઈ ગયો હતો.
  • શોધખોળ કરવાને બદલે તંત્રએ મુકેશના પરિવારને ભગવાન ભરોસે છોડી દીધા.
  • 2 ઓગષ્ટ સુધી મુકેશની શોધખોળ કરવામાં તંત્રએ રસ દાખવ્યો નહીં.
  • પાણી ઉતરી ગયા છે પણ હજી સુધી મુકેશનો કોઈ જ અત્તો પત્તો મળી રહ્યો નથી.
  • લાપત્તા મુકેશના પત્ની દિપીકાબહેનને રૂ. 15 હજારની વડોદરાવાસીઓ દ્વારા સહાય.

ગત તા. 31મી જુલાઈના રોજ થયેલા ધોધમાર વરસાદના પાણી દુકાનમાં ઘુસે નહીં તે માટે ગટર લાઈન તોડવા જતાં પાણીમાં ડૂબી ગયેલાં મુકેશ પરમાર – લસણવાળાનો આજદીન સુધી કોઈ જ અત્તો પત્તો મળ્યો ના હોવાથી તેના પરિવારજનો ખૂબ જ ચિંતાતુર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મુકેશનો પાંચ વર્ષિય પુત્ર “મને પપ્પાની બહુ યાદ આવે છે” એવું રટણ કર્યા કરે છે અને તેની માતા સહિતના પરિવારજનો ભારે હૈયે તેને સાંત્વના આપે છે કે, પપ્પા લસણ ખરીદવા ગયા છે ત્યાં ફસાઈ ગયા છે.

30 વર્ષિય મુકેશની પત્ની દિપીકાબહેને અવર વડોદરાને જણાવ્યું કે, ફતેપુરાના કોયલી ફળિયા પાસે મુકેશની લસણની દુકાન આવેલી છે. ગત તા. 31મી જુલાઈના રોજ બહુ વરસાદ પડી રહ્યો હતો, દુકાનની પાસે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. તેથી આસપાસની દુકાનવાળાઓ સાથે મુકેશ નજીકમાં આવેલી ગટરના સ્લેબને તોડવા લાગ્યા હતાં. મુકેશ સહિતના 3 થી 4 જણા સ્લેબ તોડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. દરમિયાનમાં આશરે 3-30 થી 4-00 વાગ્યાના અરસામાં સ્લેબ તૂટી પડ્યો અને મુકેશ પાણીમાં જતાં રહ્યાં હતાં. આ ઘટના અંગે અમને તો સાંજે પાંચેક વાગ્યે ખબર પડી.

દિપીકાબહેને વધુમાં ઉમેર્યું કે, સમાચારની જાણ થતાં જ હું ત્યાં પહોંચી ગઈ હતી. બધાં ચિંતામાં હતાં. અમે ફાયર બ્રિગેડને પણ જાણ કરી… ત્યારે મને કહેવામાં આવ્યું કે, એક વ્યક્તિ માટે અમે ના આવીએ… એટલે મેં તો કહી દીધું કે, એમ હોય તો હું પણ મારા બે સંતાન સાથે અંદર પડી જઉં, પછી ચાર જણ માટે તો આવશો ને? અમે બહુ પ્રયત્નો કર્યા પરંતુ કોઈ જ મુકેશની શોધખોળ કરવા આવ્યું નહીં.

મુકેશના પિતાએ જણાવ્યું કે, ઘટનાના ત્રીજા દિવસે 2 ઓગષ્ટે પાણી ઉતર્યા પછી તંત્ર દ્વારા મુકેશની શોધખોળ કરવામાં આવી, પરંતુ તેનો કોઈ અત્તો પત્તો લાગ્યો નહીં. તંત્ર દ્વારા અમને ભગવાન પર ભરોસો રાખવાની હૈયાધારણા આપવામાં આવી છે. પણ આજે 9 દિવસ થયાં હજી મુકેશની કોઈ જ ભાળ મળતી નથી.

મુકેશની માતાએ કહ્યું કે, દિવ્યાંશી અને હર્ષિલ મુકેશના બે સંતાન છે. પાંચ વર્ષિય હર્ષિલ તો છેલ્લાં કેટલાક દિવસથી “મને પપ્પાની બહુ યાદ આવે છે” એવું રટણ કર્યા કરે છે. અમે તેને પપ્પા લસણ ખરીદવા ગયા છે ત્યાં ફસાઈ ગયા છે. એમ કહીને શાંત કરીએ છીએ.

અત્રે ઉલ્લેખનિય છે કે, મુકેશની શોધખોળ માટે તેના ભાઈ સહિતના પરિવારજનો ઠેર ઠેર દોડધામ કરી રહ્યાં છે. સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં 40 જેટલાં મૃતદેહો તેઓ જોઈ આવ્યા છે. પરંતુ, હજી સુધી મુકેશનો કોઈ જ પત્તો મળ્યો નથી. જોકે, મુકેશના પરિવારજનો તેના ક્ષેમકુશળ અંગે પ્રાર્થના કરી રહ્યાં છે.

પૂરના અસરગ્રસ્તો માટે વડોદરાવાસીઓ ઓનલાઈન ફંડ એકઠું કરી રહ્યાં છે. આ કપરી પરિસ્થિતિમાં થોડીઘણી મદદ મળી રહે તેવા આશય સાથે વડોદરાવાસીઓ દ્વારા એકઠાં થયેલાં ભંડોળમાંથી રૂ. 15 હજારનો ચેક મુકેશના પત્ની દિપીકાબહેનને સુપરત કરાયો હતો.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!