કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઍવોર્ડ પરત કરી રહેલા લેખકોના ટેકામાં ગુજરાતી લેખક મંડળનો ઠરાવ

દેશમાં મુક્ત અભિવ્યક્તિ સામે વધી રહેલાં જોખમો, સાંસ્કૃતિક અસહિષ્ણુતા અને કોમવાદી રાજકારણ પ્રેરિત હિંસાના વિરોધમાં રાષ્ટ્રીય સ્તરે સાહિત્યકારોએ તેમનાં માન-અકરામ-ઇનામો પરત કરવા માંડ્યાં છે. લેખકોની આવી સામાજિક જાગૃતિ અને જીવંત નિસબતને સલામ સાથે ગુજરાતી લેખક મંડળ તેમનાં આ પગલાંને આવકારે છે અને ટેકો જાહેર કરે છે.

કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઍવોર્ડ પરત કરી રહેલા લેખકોના ટેકામાં ગુજરાતી લેખક મંડળનો ઠરાવ


ટૂંકા ગાળામાં ત્રણ ત્રણ રેશનાલિસ્ટ કર્મશીલો નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને ડૉ. એમ. એમ. કલબુર્ગીની હત્યાને કારણે દેશભરના બુદ્ધિજીવીઓએ વધતી જતી કોમવાદી અસહિષ્ણુતા અને હિંસા પ્રતિ ચિંતા વ્યક્ત કરવા માંડેલી. ડૉ. કલબુર્ગીની સરેઆમ હત્યા પછી પણ લાંબા સમય સુધી જયારે કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ પોતાના જ સન્માન નવાજિત વિદ્વાન અને સુધારક તેવા આ લેખક અંગે કોઈ પ્રતિભાવ ન આપ્યા ત્યારે હિન્દી સાહિત્યના લોકપ્રિય લેખક ઉદય પ્રકાશે અકાદમીમાં રૂબરૂ જઈને પોતાના ઍવોર્ડ, શાલ અને ઈનામની રકમ વિરોધના પત્ર સાથે પરત કર્યાં.

પછી તો રાષ્ટ્રીય સ્તરના અનેક લેખકો જેવા નયનતારા સેહગલ, અશોક વાજપેઈ, ગણેશ દેવી, અનિલ જોશી, આતમજીત સિંઘ, બલદેવસિંહ સાદકનામા, મુનવ્વર રાણા, ગુરબચન ભુલ્લર, શશી દેશપાંડે, કે. સચ્ચિદાનંદ, ડૉ. અરવિંદ મલાગતી, સારા જોસેફ, રહમાન અબ્બાસ, અમન સેઠી, રાજેશ જોશી, ગુલામનબી ખયાલ, પી. કે. પરકદાવું, મંદાકાંતા સેન, શ્રીનાથ ડી. એન. વગેરેએ પોતાના ઍવોર્ડ પરત કરવા અંગેની જાહેરાત કરેલ છે. આમ, દેશની લગભગ બધી જ ભાષાઓ – જેમ કે, હિન્દી, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી, કોંકણી, મલયાલી, ઉર્દૂ, પંજાબી, કાશ્મીરી – ના લેખકોએ અવાજ ઉઠાવ્યો છે.

કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઍવોડર્સ મેળવનારા આ સાહિત્યકારોએ આમ જુઓ તો અકાદમીની નિષ્ક્રિયતા પ્રતિ નારાજગીનાં કારણોસર સન્માનો પરત કરેલાં છે; પરંતુ જે પ્રકારની તાકીદ અને ચિંતાઓ આ લેખકો દાખવી રહ્યા છે, તે માત્ર અકાદમીની નિષ્ફળતા પૂરતી સીમિત નથી. અત્યાર સુધીમાં કુલ ૪૦થી વધુ સાહિત્યકારો પોતાના ઍવોડર્સ પરત કરી ચૂક્યા છે. ગુજરાતી લેખક મંડળ આ સહુ સાહિત્યકારોની ચિંતામાં સહભાગી છે અને તેમની આ શાંત લડતમાં તેમની પડખે છે.

સાહિત્યકારોના પ્રતિકાત્મક અને અસરકારક પગલાને કારણે તેઓ સમાજમાં અસહિષ્ણુ, કોમવાદી પરિબળોનાં ઉપહાસ, કનડગત અને ધમકીઓના ભોગ પણ બની રહ્યા છે. આવી પ્રતિઘાતી વર્તણૂંકોને અમે વખોડીએ છીએ. કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રી સહિતના કેટલાક સત્તાધારી લોકો અને તેમનાં સંગઠનો તરફથી પણ આવાં ઉપહાસ કે અવગણના કરતાં નિવેદનો જોવા મળે ત્યારે વધુ હતાશા સાંપડે છે.

અમે ગુજરાતી લેખક મંડળના ઉદારમતવાદી અને પ્રગતિશીલ કારોબારી સભ્યો સમગ્ર સાહિત્ય જગતને અપીલ કરીએ છીએ કે, સાહિત્યકારોના આ નિસબત અને હિંમતભર્યાં પગલાંને બિરદાવે, તેમને સાથ આપે. ચોતરફથી વધી રહેલા દબાણને કારણે આખરે અકાદમીએ પણ ડૉ. કલબુર્ગીની હત્યાને વખોડતો ઠરાવ કરવો પડ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે, અકાદમીની ૬૧ વર્ષની સ્વાયત્તતા જળવાઈ રહે. સરકારને પણ અપીલ કરીએ છીએ કે, એમના જ સ્થાપેલા સર્વોચ્ચ સન્માન મેળવનાર આ ઉચ્ચ કક્ષાના સાહિત્યકારોના અદ્વિતીય, અભૂતપૂર્વ વિરોધને અવગણે નહિ અને સમાજમાં લેખકોના તથા સૌના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુદ્દે કથળેલી પરિસ્થિતિને સુધારવા મક્કમ પગલાં ભરે.

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!