વરસાદની મૌસમ પૂર બહારમાં ખીલી છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. લવ અને રોમાંસની ઋતુ છે. જોકે, તેની સાથે અષાઢી બીજ, જયા પાર્વતિ વ્રત, અલૂણા, શ્રાવણ માસ… વગેરે ધાર્મિક તહેવારોની પણ ઉજવણીનો થનગનાટ શરૂ થઈ ગયો છે. ધાર્મિક ફેશન યુવાનોમાં હંમેશા ટ્રેન્ડી રહી છે. રૂદ્રાક્ષની માળા ધારણ કરવી, ટેટુ કરાવવા અને આવું ઘણું બધું.
મહત્વની વાત તો એ છે કે, ધાર્મિક હોવું અને દેખાવું – આ બંનેમાં ઘણો ફરક છે. તમે આધ્યાત્મિક છો તો ખૂબ જ સારું કહેવાય, પરંતુ આધ્યાત્મિક હોવાનો દેખાડો કરવામાં ઘણીવાર લોકો મજાકનું સાધન બની જાય છે.
ધાર્મિક ચિહ્નો – આકૃત્તિઓના ટેટૂ કરાવવાનો યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. ટેટૂનો શોખ હોય એ સારી બાબત છે પરંતુ, સાવધાની રાખવી પણ ખૂબ જરૂરી છે. ટેટુ કરાવતાં પહેલાં નિડલ હાઈજેનિક છે કે નહીં? ટેટૂની ઇન્કથી આપને એલર્જી તો થતી નથી ને? આ બધી વિગતો ચકાસી લેવી.
ધાર્મિક તહેવારો ટાણે ફેશનમાં આધ્યાત્મિકનો ટચ આપવા માટે દેવી – દેવતાના પ્રતિકો – ચિન્હો ધરાવતાં વસ્ત્રો પહેરી શકાય. તે સાથે પંચધાતુની વિટી, કાળા મણકાંની માળા, રૂદ્રાક્ષની માળા પહેરી શકો. હા પણ ધ્યાન રાખશો… જે ઉપલબ્ધ હોય એ બધું જ પહેરી ના લેતાં… નહીંતર આધ્યાત્મિક દેખાવાને બદલે P.K. જેવા લાગશો…