મંડળની સામાન્ય સભા
મંડળની સામાન્ય સભા મંડળના તમામ પ્રકારના સભ્યોની બનેલી હશે. આ સામાન્ય સભા વર્ષમાં એક વખત સંચાલન સમિતિ ઠરાવશે તે સ્થળે અને સમયે મળશે જેની જાણ દરેક સભ્યને ૧૫ દિવસ અગાઉ કરવામાં આવશે, જેમાં એજન્ડા પણ જણાવેલ હશે.
જો કોઈ સભ્ય મંડળની સામાન્ય સભામાં એજન્ડા ઉપરાંત મંડળના હેતુ પાર પાડવા માટે કોઈ ઠરાવ / ઠરાવો રજૂ કરવા માગતા હોય તો તેમણે તેની જાણ મંડળની કાર્યવાહક સમિતિના મંત્રીને સામાન્ય સભાના સાત દિવસ અગાઉ કરવી પડશે. એ સૂચિત ઠરાવ / ઠરાવો જો સંચાલન સમિતિને યોગ્ય જણાશે તો સામાન્ય સભામાં રજૂ કરવા અંગેની લેખિત નોટિસ સભાના સ્થળે મૂકેલા નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે.
ઉપરોક્ત પ્રકારના ઠરાવ / ઠરાવો સંચાલન સમિતિને યોગ્ય ન જણાય તો સૂચવનાર સભ્યને એના કારણોની લેખિત જાણ સમિતિ કરશે. તે અંગે સામાન્ય સભામાં કશી કાર્યવાહી થશે નહીં કે પૂછતાછ મંજૂર રખાશે નહીં. સામાન્ય સભામાં જ તત્કાલ ઠરાવ / ઠરાવો રજૂ કરવાની કોઈ સભ્યને ઈચ્છા હોય તો તેમણે અન્ય સાત સભ્યોની સહી સાથે એ ઠરાવની વિગતો અધ્યક્ષશ્રીને આપવાની રહેશે. અધ્યક્ષ એની તત્કાલીન જરૂરને ધ્યાનમાં રાખી એ અંગેનો નિર્ણય કરી શકશે. એ અંગેનો નિર્ણય આખરી ગણાશે.
સામાન્ય સભાની કાર્યસાધક સંખ્યા ૩૫ની રહેશે.
સામાન્ય સભાની સંખ્યા કાર્યસાધક સંખ્યા કરતાં ઓછી હશે તો સભા મોકૂફ રહેશે. ફરી એ જ એજન્ડા અને કામગીરી માટેની અન્ય તારીખ નક્કી થશે જેની જાણ સભ્યોને કરવામાં આવશે. આ સભામાં કાર્યસાધક સંખ્યા નહીં થાય તો પણ કામગીરી આટોપી લેવાશે.
ઉપરોક્ત કલમ ૧૯, પેટા કલમ ૧ થી ૭ મુજબની સભા સામાન્ય સભા ગણાશે એ સિવાયની બીજી વિશેષ સામાન્ય સભા ગણાશે. સંચાલન સમિતિ અથવા અધ્યક્ષને યોગ્ય લાગે ત્યારે અથવા તો મંડળના ૧/૧૦ સભ્યોની સહીથી લેખિત રજૂઆત કરવામાં આવે ત્યારે વિશેષ સામાન્ય સભા બોલાવાશે.
ઉપરોક્ત કલમ-૨૧માં જણાવ્યા અનુસાર વિ.સા.સભાની માગણીનો હેતુ, સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ અને તે મંડળના હેતુઓ અને કામગીરી સાથે સંકળાયેલો હોવો જોઈએ. ઉપરોક્ત કલમ ૨૧ અને ૨૨માં જણાવ્યા મુજબ વિ.સા.સભાની માગણી ૧/૧૦ સભ્યોએ મંડળમાં યોગ્ય રીતે નોંધાવ્યા બાદ એક મહિનાની અંદર અધ્યક્ષ કે સંચાલન સમિતિ વિશેષ સામાન્ય સભા ન બોલાવે તો માંગણી કરનાર સભ્યો પોતે જ ૧૫ દિવસની નોટિસ આપી વિશેષ સામાન્ય સભા બોલાવી શકશે.
મુખત્વે સામાન્ય સભા / વિશેષ સામાન્ય સભાની કાર્યવાહીના પક્ષમાં કે વિરુદ્ધમાં કેટલા મત પડ્યા એની સીધી અને મૌખિક ગણતરી દ્વારા થશે અને મંડળના અહેવાલની નોંધપોથીમાં એ અર્થે નોંધ લેવાય અને અધ્યક્ષની સહી દ્વારા કોઈ પણ ઠરાવ / ઠરાવો પસાર જાહેર કરવામાં આવે એ એનો સીધો પુરાવો ગણવામાં આવશે. સામાન્ય સભામાં જો પાંચ કે તેથી વધુ સભ્યો લેખિત મતની માગણી કરશે તો કાર્યવાહી એ રીતે અને ધોરણે ચલાવવામાં આવશે.