અત્યારનું જીવન એવું થઈ ગયું છે કે ગમે તે જમી લેવું, ગમે તે સમયે. તેના કારણે ખોરાક ડાયજેસ્ટ થતો નથી. છેવટે પેટ ફુલવાની, પેટમાં અવારનવાર દુખાવો થવો વગેરે જેવી તકલીફ દિવસે દિવસે થવા લાગતી હોય છે. ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી હોતો પેટમાં ગેસ અને શરીરમાં પાણી ઓછું થવાના કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આજે તે સમસ્યાનું નિરાકરણ આપણે અહીં જણાવીશું.
કેવી રીતે ફુલે છે પેટ? શું છે પેટ ફૂલવા પાછળનું કારણ
પેટ ફુલવાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે. તેમાં મુખ્ય કારણ છે આપણી ખરાબ રહેણી કરણી. આજકાલ બહારનું ફાસ્ટફૂડ વધારે ભાવતું થઈ ગયું છે, રાત્રે ઓફિસથી મોડા આવીને જમવું, બહાર નાસ્તો કરીને આવ્યા હોય અને ઘરે આવીને પણ ભૂખ લાગી ન હોવા છતાં જમી લેવું, ફેન્ડ્સ સાથે રાત્રે ફરવા અથવા મિટીંગ હોવાના કારણે જલદી જલદી જમવું, કાચો ખોરાક ખાવો આ બધાને લીધે પેટ ફુલવા લાગે છે.
વધારે પડતો તણાવ હોય અથવા તણાવ મગજમાં રહ્યા કરતો હોય ત્યારે તમે ભોજન જમો તો વધારે શરીરને નુકશાન થાય છે. અત્યારે ફ્રીઝમાં મૂકેલો ખોરાક દરેક ગૃહિણી ખાતી થઈ ગઈ છે. જેના લીધે ફ્રિઝમાં રાખેલો ખોરાક જલદી પચતો નથી. અને તે ઉપરથી વાસી પણ હોય છે. જેથી શરીરને વધારે નુકસાન પહોંચાડી શકે છે.
એટલે બને ત્યાં સુધી રોજ તાજો રાંધેલો ખોરાક ખાવો જોઈએ. જેથી તે સરળતાથી પચી જાય અને આપણું શરીર પણ તંદુરસ્ત રહ્યા કરે.
એક આદત દરેકની ખોટી હોય છે. લંચ બ્રેક કે બપોરે ઘરે પણ ભોજન કરવા બેસે ત્યારે મોબાઈલ જોતાં જોતાં જમતા હોય છે. અથવા મોબાઈલ હાથમાં ન હોય તો ટીવી ચાલું રાખી સીરિયલ કે પિક્ચર જોતા હોય છે. નાનું બાળક હોય તો તે કાર્ટૂન જોતા નાસ્તો અને જમવાનું જમે છે. તો આ ટેવ ભૂલાવી ઘરના સભ્યો સાથે બેસી વાતચીત કરતા ભોજન લેવાની આદત પાડવી જોઈએ.
પેટ ફુલવું એ સામાન્ય સમસ્યા છે. જેના કારણે અસહજતા અને દર્દ થઈ શકે છે. પેટ ફુલવાના કારણે પેટ મોટું દેખાય છે. મોટે ભાગે ગેસ્ટ્રોઇંટેસ્ટાઈનલ ટ્રેકમાં ગેસ થવાને કારણે પેટ ફુલવાની સમસ્યા પેદા થઈ શકે છે. હવે તમને જણાવીશું તેના ઉપાય. શું કરવું જેથી આ પેટ ફૂલવાની સમસ્યા થી તમે દૂર રહી શકો.
જીરા પાણી- જીરા પાણી પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. જે પાચનતંત્રને તંદુરસ્ત કરે છે અને ગેસની સમસ્યાને દૂર કરે છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું નાખીને ઉકાળી લો, હુંફાળું થાય બાદ ખાલી પેટે પી જવું. આ પ્રયોગ નિયમિત કરવાથી ગેસ ફુલવાની સમસ્યામાં ફાયદો થશે.
આ બીજ ગળી જવા – પેટમાં દુખતું હોય ત્યારે મોટે ભાગે લોકો અજમો, મીઠું પાણી સાથે પી જતા હોય છે. તેવી રીતે પેટ ફુલે ત્યારે અજમાના અડધી ચમચી જેટલા બીજ ગળી જવા જોઈએ. તેની સાથે તમે સિંધવ મીઠું, ચપટી હિંગ ગરમ પાણી કરી લો. આ પ્રયોગ તમારે જમ્યાના અડધો કલાક પછી કરવો. જરૂર ફાયદો થશે.
યાદ રહે કે પેટ ફુલવાની તકલીફ રહેતી હોય તો રાત્રે ભારે ખોરાકનું સેવન કરવું નહીં.
ખોરાક ચાવો- જો તમે ધીમે ધીમે ચાવીને જમશો તો ખોરાકના નાના નાના ટુકડા કરવામાં મદદ મળશે. આ નાના ટુકડાને આપણું પાચનતંત્ર સરળતાથી પચાવે છે. અને ડાયજેસ્ટ સંબંધિત કોઈ પ્રોબ્લેમ થતો નથી. પરંતુ જ્યારે તમે ઝડપથી ખાવ છો અથવા વધારે ખાઈ લો ત્યારે પાચનતંત્રને વધારે મહેનત કરવી પડે છે. અને પચવામાં સમસ્યા પેદા થાય છે. જેના કારણે પેટમાં વધારે ગેસ થવા લાગે છે. થોડા દિવસોમાં પેટ પણ ફુલવા લાગે છે.
પાણી આ રીતે પીવું- ઓછું પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારું શરીર પાણીનો સંગ્રહ કરવાનું ચાલું કરી દે છે. જેના કારણે તમારું પેટ ફૂલી જાય છે. ઠંડા પાણીની જગ્યાએ હુંફાળું પાણી પીવું જોઈએ. જેથી તમારું પાચનતંત્ર પણ સારું રહે. જો તમે જમ્યા બાદ 1 ગ્લાસ ગરમ પાણી પીશો તો ગેસ અને પેટ ફુલવાની સમસ્યા ક્યારેય નહીં રહે.
એ સિવાય તમે જમ્યાના એક કલાક બાદ ઈલાયચીનું પાણી પીશો તો લાભદાયી રહેશે. કેટલાક લોકો ધાણા, જીરું અને વરિયાળીની ચા બનાવીને પણ દિવસમાં પીતા હોય છે. આ પ્રકારની ચા તમે દિવસમાં ત્રણ વખત પી શકો છો. આ રીતે ફુદીનાનું પાણી પણ થોડું થોડું પીશો તો જરૂર ફાયદો થશે.
એક વસ્તુનું ધ્યાન રાખવું કે વધારે પાણી ન પીવું જોઈએ. એક સાથે ઘણા લોકો 1 કે 2 ગ્લાસ પાણી પી જતા હોય છે તેના કારણે પણ ઘણી વખત પેટ ફુલી જાય છે. માટે થોડું થોડું પાણી પીવું.
શું તમારું પેટ અવારનવાર ફુલી જાય છે? ડોક્ટર પાસે જાવ
ઘણા લોકો વીકમાં બે ત્રણ વાર તો બૂમો પાડતા જ હોય છે કે મારા પેટમાં દુખાવો થાય છે. અથવા પેટ ફુલી ગયું છે. તેના માટે ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. જો વારંવાર પેટ ફુલી જતું હોય તો આંતરડાને લગતી કોઈ તકલીફ હોઈ શકે છે.
ઘણી વખત હોર્મોન્સ ઇમ્બેલન્સ, વધારે પડતી મેદસ્વિતા, ડાયાબિટીસ, અપચો, કબજિયાત વગેરેને કારણે પણ આ સમસ્યા થતી હોય છે. માટે કોઈ પણ પ્રકારના નુસખા કે દવા લેતા પહેલા ડૉક્ટર પાસે સલાહ જરૂર લેવી જોઈએ.